જ્ઞાતીનો ઈતિહાસ
કૂર્મીથી કડવા... ગૌરવ ગાથા

આજથી આશરે ત્રણેક અબજ વર્ષ પહેલાંથી પૃથ્વી પર સજીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી હશે, તેમ સંશોધકો માને છે. ત્યારથી ધીમે-ધીમે ઉત્ક્રાંતિ થતાં, આજના આધુનિક માનવસુધીની વિકાસયાત્રાનો ઈતિહાસ રોચક અને રોમાંચક છે. આજે આ ધરતી પર પાંચ અબજથી પણ વધારે માનવ વસ્તી હશે. સ્થળ-કાળ પ્રમાળે અલગ-અલગ રંગ, ભાષા, ધર્મ, પહેરવેશ, રીત-રીવાજો અસ્તિત્વમાં આવ્યા હશે. તેમાંથી સમાનતા ધરાવતા લોકોનાં જુદાં-જુદાં સમૂહો અને જાતિઓની રચના થઇ હશે. જે તે જાતિઓનો પોતાને ઉત્પતિ અને વિકાસનો આગવો ઇતિહાસ છે. તેવી જ રીતે ભારતની પ્રમુખ છ જાતિઓમાંથી છ જાતિઓમાંથી એક અને વિશ્વનાં ખૂણે-ખૂણે ફેલાયેલી કડવા પાટીદાર (કૂર્મી) જાતિ છે.

કોઇપણ પ્રજા પોતાનાં ઇતિહાસ સાથેનું અનુંસંધાન છોડીને વિકાસ સાધી શકે નહિ. કડવા પાટીદાર જ્ઞાતિની ઉત્પતિ વિશે અનેક દંતકથાઓ અને ઇતિહાસ કથાઓ પ્રાપ્ત થાય છે. આપણે હકીકત, સત્યતા કે તાર્કિકતા વિશે ટીકા-ટિપ્પણ નહિ કરતાં, એક જીજ્ઞાસુ ભાવક તરીકે જાણકારી મેળવવાનો યથાયોગ્ય પ્રયત્ન કરીએ.

કડવા પાટીદાર જ્ઞાતિની ઉત્પતિ વિશે જોઈએ તો, વાસ્તવમાં, કુર્મી જાતિ પંજાબમાં લેવા અને કરડ વિસ્તારમાં ફેલાયેલી હતી. કોઇક કારણોસર તેઓએ પંજાબમાંથી સ્થળાંતર કર્યું. પોતાનાં મૂળ ભૂલાઇ ન જાય એ માટે એમણે જે તે વિસ્તારનાં પોતાનાં નામ પરથી લેઉવા અને કરડ પરથી કડવા વિશેષણો ધારણ કર્યા. કૃષિ સાથે સંકળાયેલ હોવાથી પંજાબમાંથી ફરતા-ફરતા સરસ્વતી નદીના પ્રદેશમાં પહોંચ્યા.સરસ્વતી નદીની આસપાસનો આ વિભાગ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો. જેને આજે આપણે ઉંઝા તરીકે ઓળખીએ છીએ.

આપણે આંબાના ઝાડને આમ્ર અથવા અંબ તરીકે પણ ઓળખીએ છીએ. આંબાનાં વૃક્ષમાં માતા અંબાની કલ્પના કરી કૂર્મીઓ તેની પૂજા કરતાં ત્યારથી જ પ્રકૃતિપ્રેમી પૃથ્વીપુત્રો મા અંબાનાં જ એક સ્વરૂપ મા ઉમિયાની પૂજા કરતાં આવ્યા છે. આ પૂજા-અર્ચના કૂર્મિઓએ અહીંયા પણ જાળવી જ રાખી. થોડી સ્થિરતા મળતા જ તેઓએ ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરી, માતૃકા પુજા પ્રત્યે પોતાની શ્રદ્ધાં અને ભક્તિ પ્રગટ કરી.

વિદોમાં કૂર્મી શબ્દ દેવરાજ ઇન્દ્રનાં વિશેષણ તરીકે અનેક જગ્યાએ વપરાયેલ છે. દેવરાજ ઇન્દ્રની પ્રચંડ શક્તિ અને વિરતાનાં વારસદારો એવા કૂર્મિઓને સમય જતાં આનર્ત પ્રદેશની જગ્યા પણ ઓછી પડવા લાગી. જરૂરિયાત અને સગવડતા પ્રમાણે તેઓ સૌરાષ્ટ્ર અને અન્ય પ્રદેશોમાં ફેલાતા ગયા.

‘કુમ્બી’નો અર્થ થાય છે ગૃહસ્થ. જે સંસ્કૃત શબ્દ ‘કુટુંબિક’ પરથી ઉતરી આવેલ છે. જેનાં પરથી કૂર્મી શબ્દ પ્રચલિત બનેલ હશે. કૂર્મીઓ મૂળે ક્ષત્રિય છે તે હકીકત ઘણા બધા વાદવિવાદો અને સંશોધનો પરથી વિદ્વાનોએ સ્વીકારેલ છે. સ્થળકાળને કારણે તેમનાં કાર્યક્ષેત્રો અને મોભામાં અલગતા જોવા મળે છે. પરંતુ અંતે તે એક જ કૂર્મી જાતિનાં વંશજો જ છે. તેમાં બેમત નથી.

કૂર્મી ક્ષત્રિય જન હિંદી ભાષાનાં પ્રદેશોમાં કૂર્મી, ગુજરાતમાં પાટીદાર કે પટલ, મહારાષ્ટ્રમાં કુનબી, મરાઠા કે પાટીલ, આંધ્રપ્રદેશમાં રેડ્ડી અને કાંપૂ, કર્ણાટકમાં કમ્પા, વક્કલિંગર, કૂબલી અને ઉડિયામાં કૂર્મા નામથી, તેમજ દક્ષિણ કોંકણમાં કુલબલી તરીકે ઓળખાય છે. કેટલીક જગ્યાએ કુસ્મી, કુરમ્બસ, કુદમ્બીસ વગેરે શબ્દપ્રયોગો પણ થયેલા જોવા મળે છે.વ્યાકરણ અનુસાર કૂર્મી શબ્દનો અર્થ, ‘કૂ’ શબ્દનો અર્થ ‘ભૂ’ અથવા ધરતી થાય છે, અને ‘રમી’નો અર્થ ‘રચનાર’ અર્થાત્ ‘બૂપતિ’ કે ‘કૃષક’ કહી શકાય. તેવી જ રીતે જેને જમીનનો પટ મળેલ છે તે પાટીદાર કહેવાયા.

કૂર્મી-કડવા પાટીદારની ઉત્પાતિ વિશે અનેક દંતકથાઓ સાંભળવા મળે છે. તેને ઇતિહાસ કે શાસ્ત્રોની કસોટી પર ન ચડાવીએ તો પણ તેનું એક વિશેષ મહત્વ છે. માર્તંડ પુરાણ૪ કૂર્મ પુરાણ, લેઉવા પુરાણોમાં, વહીવંચા બારોટોનાં ચોપડાઓમાં, બીજા અનેક ગ્રંથોમાં અને મૌખિક પરંપરામાં આ જ્ઞાતિનાં વૃદ્ધો પાસે અનેક કથાઓ મળે છે. આ બધી કથાઓને ગપગોળા કે વાહિયાત વાતો કહીને ઉડાવી મૂકવાની જરૂર નથી. આ બધી કથાઓમાં વેરાયેલા મૂળ બીજને શોધવાની જરૂર છે. આ પ્રકારની દંતકથાઓ આખી જ્ઞાતિની સાંસ્કૃતિક પરંપરાઓને પોતાની ગોદમાં સાચવીને દીઓથી વહેતી આવી છે. અનેક દંતકથાઓમાંથી નમૂનારૂપે થોડી દંતકથાઓ....

(૧) સૃષ્ટિ રચયિતા બ્રહ્માજીનાં પૌત્ર, મરીચિ ઋષિનાં પુત્ર કશ્યપ મુનિનાં આપણે વંશજો છીએ. આજે પણ આપણું ગૌત્ર ‘કશ્યપ’ કહેવાય છે.
 
(૨) ભગવાન વિષ્ણુનાં અવતાર કૂર્માવતાર કહેવાય છે. કે જે ‘કૂર્મ’ થી ઉત્પન્ન થયેલ છે તે કૂર્મી, કારણ કે તેના પર જ પૃથ્વી ટકી રહેલ છે.
 
(૩) ભગવાન શ્રીરામચંદ્રનાં બન્ને પુત્રો લવ અને કુશ વચ્ચે રાજ્યની વહેંચણી કરવામાં આવી. જે લોકો લવનાં રાજ્યમાં રહ્યા તે લેઉવા કહેવાયા. જે કુશના રાજ્યમાં ગયા તે કડવા કહેવાયા.
 
(૪) ‘લેઉવા પુરાણ’ મુજબ બલિ અને ભદ્રને લેહક અને કૈટક નામે પુત્રો હતા. જેમનાં સંતાન લેઉવા અને કડવા કહેવાયા.
 
(૫) આનર્ત પ્રદેશમાં તપ કરતાં ઋષિઓ પર રાક્ષસોનો ત્રાસ વધ્યો. તેથી નારદજીએ કૈલાસ જઇ શંકર ભગવાનને ફરિયાદ કરી. શંકર-પાર્વતી બન્ને આનર્ત પ્રદેશમાં આવ્યા. ભગવાન શંકર રાક્ષસોનો વધ કરવા ગયા. એકલતા દૂર કરવા પાર્વતીજીએ માટીમાંથી બાવન પુતળા બનાવ્યાં અને તેમાં પ્રાણ પૂર્યા. પોતાનું સાનિધ્ય અને રક્ષણ મળી રહે તે માટે પાર્વતીજીએ પોતાના તેજવાળી એક મૂર્તિ સ્થાપી. આ બાવન પુત્રો ઉમાપુર નગર (ઉંઝા) વસાવી ત્યાં રહેવા લાગ્યા.
 
(૬) સરસ્વતી તટે જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો. તેમનાં પુત્ર પરશુરામે ક્ષત્રિયોનું નિકંદન કાઢી નાખ્યું તેથી દાનવોનું બળ વધ્યું. તેઓ ઋષિઓનાં યજ્ઞોમાં વિઘ્નો ઉભા કરવા લાગ્યા. ઋષિઓ શિવજીનાં શરણે ગયાં. ઉમિયામાતાએ એક એક પુતળું બનાવ્યું. માતાજીએ પૂતળાં પર હાથ મૂકી-કર અડાડી સજીવન કર્યા, તેથી કરડવા કહવાયા. તેણે ઋષિઓનાં દુઃખ દૂર કર્યા. જે ઋષિએ જે પૂતળું ઘડેલ તે તેમનાં ગોત્રદેવ ગણાયાં. આ બાવન ઋષિનાં બાવન શાખના કરડવા કહેવાયા.
Dhawaj Poojan
Video Gallery
Any question or work related web please contact us on web@umasidsar.org
Home | About Trust | Facilities | Kadva Patidar Directory | How to Reach | Community Activities | Photo Gallery | Video Gallery | Audio Gallery | Contact Us
Copyright © 2019, Umasidsar.org, All Rights Reserved. | Web Solutions ::